જૂના જમાનામાં આજના જેવી શાળા-કોલેજો નહોતી ત્યારે ગામડાંઓના અભણ સમાજમાં સરળતાથી યાદ રહી જાય એવી મિતાક્ષરી અને પ્રાસાનુપ્રાસવાળી કહેવતો દ્વારા લોકશિક્ષણનું કાર્ય થતું. એ પરંપરા આજેય લોકજીવનમાં ઉતરી આવી છે, અને લોકસાહિત્યનું મહત્ત્વનું અંગ બની રહી છે.
આજે રોજ-બરોજ સ્વાસ્થ્ય જાળવવા આવી વાતો ની તાતી જરૂર છે…આ બધી કહેવતો માં આયુર્વેદ ની જ્ઞાન અને લોક્સમજ બંને સારી રીતે ઉપસી આવે છે….
ચાલો તો જોઈએ આવી રસપ્રદ અને સ્વાસ્થ્ય વર્ધક કહેવતો…કવિતાઓ….
” કોથમીર વિનાની કાઢી,અને સ્ત્રી વિનાની મઢી…!”
” કાકડી ને કાપી જોંવાય અને,માણસ ને માપી જોવાય..!”
” ફૂટ કાકડી અને તુરિયાં, કારેલા નું શક,તાવ સંદેશો મોકલે, આજ આવું કે કાલ?”
” ફૂટ કાકડી ને તુરિયાં, ઉપર ખાધું દહીં,તાવે સંદેશો મોકલ્યો, ખાટલો પાથર્યો કે નહીં?”
” કુણી કુણી કાકડી ને, ભાદરવા ની છાશ,તાવ સંદેશો મોકલે, આજ આવું કે કાલ? ”
” ચોમાસાની કાકડી, ને ભાદરવાની છાશ,તાવ ને તેડવા મોકલે, મુથીઓ વળી ને નાસ..! ”
” કારેલું કહે હું કડવું કડવું, મારા માથે ચોટલી, જો ખાવાની મજા કરો, તો કરો રસ ને રોટલી..!”
” કારેલું કડવું ઘણું, તુરીયું લાવે તાવ, ઘીલોડે બુદ્ધિ ઘટે, નીંબ નીરોગી સાવ..!”
” કરત નું કારેલું ને દાળ માં કોકમ, કંકુ કાકી ઠીક મજા છે, ખાવા અમ નથી જોખમ..!”
” આવ રે વરસાદ, ઘેબરીયો વરસાદ, ઉની ઉની રોટલી ને કારેલા નું શક..!”
” કારતકે કારેલા જે ખાય, મારે નહિ તો મંડા તો થાય..!”
” રાતા રાતા રતનજી ને ઉપર લીલા પાન, મૂળા ના તો સગા ભાઈ, અથાણા માં છે માન..!”
” ગાજર ગળીયા મધ સાકરિયા, ગાજર ખાય તે તરક ના છૈયા..!”
” તુરીયું કહે હું વાકું ચુંકુ, મારા દિલે સળી, મારા ખાવામાં સ્વાદ કરો, તો નાખો લીંબુ ને મરી…!”
” તાવ કહે હું તુરિયાં માં વસું, ગલકુ દેખી ખડ ખડ હસું, જેને ઘરે જાડી છાશ, તેને ત્યાં મારો વાસ…!”
” ગલકુ, તુરીયું ને કાકડી સાથે ભાદરવાની છાશ, તાવ સંદેશો મોકલે, આજ આવું કે કાલ…?!”
” છાશ ખાયે છોકરાને દૂધ ખાય ડોશી, તુરિયાંશા છોકરા ને તુમ્બડાશી ડોશી…!”
” પાપડી કહે હું પાંચ લીલવાની, સૌને મન છું પ્રસન્ન, જો ખાધા ની મજા કરો તો નાખો લીંબુ ને લસણ…!”
” ડોડી કહે હું દિલ ભાળતી, સૌ કોઈ મને ખાય, ગરીબ લોક મને વાપરે, આંખે ઠંડક થાય…!”
” રોજ રોજ ખાયે જે ભાજી, તે જાત નો પાજી…!”
” કાળી ચૌદશે જે ગલકા ખાય, તે નર નિશ્ચયી રાજા થાય…!”
” કડવી છું પણ કામની (મેથી) , ખાતે ખાય સંસાર, છોડ તણી ભાજી ભલી, મારા બી નો થાય વઘાર…!”
” કંકોડું કહે હું ગોળમટોળ, ને મારા દિલે કાંટા, ગરીબ બિચારા શું કરે, શ્રીમંતો બહુ ખાતાં..!”
” કંટોલું તો ગોળ ગોળ ને ઉપર જીણાં કાતર, જો ખાવાનો સ્વાદ કરો તો નાખો ચપટી સાકર..!”
“વનવગડે ને વાડમાં, અષાઢ શ્રાવણ માંય,ઉપજે આપોઆપ એ, સ્વાદિષ્ટ શાક જ થાય…!”
” વાયુવર્ધક ગુણ ગણો, છોલી શાક જ થાય, કંકોડાનું શાક જમી, માનવી મન હરખાય…!”
” કોળું કહે હું ગોળ ગોળ, જાડી મારી છોલ,મારા ખાવામાં સ્વાદ કરો, તો નાખો મેથી ને ગોળ…!”
” મૂળ રાતાં ફૂલ ધોળાં, પાન જૈસી ભૂંગળી, લુવાણાની લાજ રાખી, ધન્ય માતા ડુંગળી…!”
” સમારતાં નેત્રે નીર ઝરે, ગરીબ જન ગુણ ગાય, ભોંય ભીતર વૃદ્ધિ થતી, ડુંગળી ખાતાં શોક સમાય…!”
” દૂધી કહે હું લાંબી લીસી, મારી ઉપર છાલ, મારો સ્વાદ જો જોવો હોય તો નાખ ચણાની દાળ…!”
” રાગ બગાડણ રાયતું, પુરુષ બગાડણ મૂળો, બાયડી બગાડણ પિરાણું (પિયર) ને સ્વાદ બગાડણ મૂળો…!”
” માંદાને મન ભાવતાં, સાજાને સુખકર, ધનિકને પ્રિય છે,પરવળ છે શાકતણો સરદાર…! ”
” વેંગણની ( રીંગણની ) છાલ ને મુંઝારાની ચાલ…!”
” કાળી કાળી સરપોલીશી,મોગરી તો લોકો કાચી ખાય, બેન મૂળાની, તીખી લાગે, શાક સારું થાય..!”
” મૂળા, મોગરી, ગાજર, બોર, રાતે ખાય તે નિશ્ચે ઢોર…!”
” નામ ત્યારે પાતરાં, પણ જમવાની મઝા, પેટ સામું ન જુઓ તો જરૂર આવે કજા…!”
” લીલી લીલી સળીને ગાંઠે ગાંઠે ચોર, ચોળીનું તો શાક જ થાય, છોડાં ખાય ઢોર…!”
” ભાદરવાનાં ચીભડાં ખાય તેને તાવનું તેડું થાય…!”
” દહીં ડોડાને ચીભડાં, વનોવનનાં શાક, તાવ સંદેશો મોકલે આજ ખાવું કે કાલ ?”
” રાતે ખાય ગુવાર તે થાય ખુવાર. ગુવાર બળદ ખાય કે મરદ ?”
” ગુવારના ભાઈબંધ બે, અજમો ને ગોળ, ઉઝરડીને શાક ખાઓ, નહીં તો ખાઓ ધોલ…!”
” ભીંડો છોડ એવો, જેનાં ભાલાં જેવાં ફળ, શાકનો છે રાજા, ને બીમાં બહુ બળ…!”
આપણું આરોગ્ય જાળવવામાં કહેવતો કેટલી બધી ઉપકારક અને માર્ગદર્શક છે એ કહેવતો વાંચીએ ત્યારે જ સમજાય છે.
આવી અસંખ્ય કહેવતો અને કવિતાઓ ગુજરાતી સાહિત્યમાં લોક જીભે વખણાયેલી અને વણાયેલી છે…! કરવાનું બાકી છે તોં એનું અનુસરણ…!
આયુર્વેદ તો કહે જ છે કે ખોરાક જ તમારું ઔષધ છે, અને આ જ સાર અહીં લોક સાહિત્ય માં પણ કહેવામાં આવેલ છે.
આયુર્વેદ એ આપનું પોતીકું શાસ્ત્ર છે, આપણા માટે લખાયેલું છે અને દુઃખ ની વાત છે કે આપણે જ એને નજર અંદાઝ કરીએ છીએ. આયુર્વેદ એ માત્ર રોગ ને સાજા કરવા નું શાસ્ત્ર નથી, પણ કેવી રહેતે રહેવું, ખાવું- પીવું અને સ્વસ્થ કેવી રીતે રહેવું એ સમજાવતું વિશિષ્ટ શાસ્ત્ર છે. જેટલું આયુર્વેદ ને -પ્રકૃતિ ને -કુદરત ને સમજશું અને અપનાવશું એટલું જ વધારે આપણું જીવન સુખમય અને સરસ બનશે.